F.Y. – ANM – CHILD HEALTH NURSING UNIT – 7 CARE OF ADOLESENTS GIRLS

યુનિટ – 7

કેર ઓફ એડોલેશન્ટ ગર્લ્સ

પ્રસ્તાવના

  • ભારતમાં તરૂણીઓની સંખ્યા દેશની કુલ વસ્તીના સાતમા ભાગ જેટલી છે. આ વય જૂથની છોકરીઓને યોગ્ય જાણકારી પૂરી પાડવાથી ભવિષ્યમાં ઘણા ફળદાયી પરિણામો પ્રાપ્ત થશે એ વાત હવે વધુને વધુ અનુભવાતી જાય છે.
  • ભારત સરકારના RMNCH+ A કાર્યક્રમમાં તરૂણીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમના અમલ અને સંચાલન માટે દરેક રાજ્ય ઉત્તરદાયી છે. આ કાર્યક્રમ આરોગ્ય કાર્યકરને તરુણાવસ્થાની વિશિષ્ટ લાક્ષણિકતાઓથી પરીચીત બનાવવા અને તરુણ વયની વ્યકિતઓની કેટલીક ખાસ અગ્રતા ધરાવતી આરોગ્યસંબંધી જરૂરિયાતો અને સમસ્યાનો હલ કરવા માટેના ઉચિત અભિગમોની જાણકારી પૂરી પાડવાના હેતુથી બનાવવામાં આવ્યો છે.

તરૂણીઓની સંભાળનો વ્યાપક ઉદ્દેશ નીચે મુજબ છે. (હેતુઓ)

  • સ્ત્રી આરોગ્ય કાર્યકરોએ તરુણાવસ્થાના પ્રારંભિક તબક્કાની જાણકારી આપવી તેમજ તેની સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે વધુ જાણકારી પૂરી પાડવી.
  • તરુણોની જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવવા, આરોગ્ય કર્મીઓ (પ્રા.આ.કે, ખાતેના તબીબી અધિકારી તેમજ પેટા કેન્દ્રો ખાતેની સ્ત્રી આરોગ્ય કાર્યકરો) તરુણીઓને અનુકૂળ સેવાઓ પૂરી પાડી શકે તે માટે તેમને સક્ષમ બનાવવા.
  • આરોગ્ય કેન્દ્રમાં અને ક્ષેત્રીય મુલાકાતો હોમ વિઝીટ દરમિયાન આરોગ્ય કાર્યકર તરૂણીઓને કેવી રીતે મદદ કરી શકે તે જાણવુ.
  • તરુણીઓને વધુ સજજ બનાવવા માટે અનુકૂળ આરોગ્ય સેવા પૂરી પાડવી.
  • તેમની જરુરીયાતોને સમજવી અને સમાજમા તેની જરિયાતોને પુરી કરવા માટે માર્ગદર્શન આપવું.
  • તરૂણીઓ સાથે સંપરામર્શ કરી તેની તકલીફો જાણવી અને તેના દરેક પ્રશ્નોના સમાધાન માટે કાર્યશીલ રહેવું.
  • તરુણીના આરોગ્ય સબંધીત મુખ્ય મુદ્દા જેવા કે, માસિકસ્ત્રાવ, પોષણની જરૂરીયાત, લગ્ન પહેલા ની શીખામણ, જાતીય શિક્ષણ, ગર્ભનીરોધક પધ્ધતીઓ અને શરીરમાં આવતા બદલાવો વિશે ચર્ચા કરવી અને તેની મુંઝવણોનું સમાધાન કરવું.

મેન્સ્ટ્રુઅલ સાયકલ (માસિક ચક્ર)

  • માસિક આવવાની પ્રક્રિયા, માસિક આવવું અથવા માસિકચક્ર (કારણ કે તે દર મહિને આવે છે) એ છોકરીઓમાં જાતીય પરીપકવતા આવવાની નિશાની છે. માસિક આવવું એ એક સાહજીક કાર્ય છે. તેને રજોપ્રવેશ પણ કહે છે અને તેની શરૂઆત સામાન્ય રીતે યૌવન પ્રવેશ દરમિયાન છોકરીઓમાં ઝડપથી થતી શારીરિક વૃધ્ધિની પ્રક્રિયા ચરમ સીમાએ હોય ત્યારે થાય છે. આ એક એવી પ્રક્રિયા છે જે છોકરીના શરીરને ભવિષ્યમાં ગર્ભ ધારણ કરવા માટે તૈયાર કરે છે.
  • માસિક આવવું એટલે છોકરીઓમાં પ્રજનન માટેના અવયવ ગર્ભાશયમાંથી સમયાંતરે લોહી અને પેશીઓ (ટીસ્યુ)નો નિકાલ થવો. દર મહિને અંતઃસ્ત્રાવોના પ્રભાવથી છોકરીઓના કોઈ એક અંડાશય માંથી એક અંડકોષ છૂટો પડે છે. તે ફેલોપિયન ટ્યુબમાંથી પસાર થઈ ગર્ભાશયમાં આવે છે. આ અંડકોષ ફલિત થઈ જે વિકસીને બાળકમાં ફેરવાય છે. ગર્ભાશયમાં પ્રવેશે તેની તૈયારીરૂપે ગર્ભાશયની દિવાલો જાડી બને છે. અંડકોષનું મિલન શુક્રકોષ સાથે થાય અને ફલન થાય તો ગર્ભાષયની દીવાલની જાડાય જળવાય રહે છે. શુક્રકોષ દ્વારા અંડકોષ ફલિત ન થાય તો આ અંદરની દિવાલ તૂટવાનું શરૂ થાય છે. આ અંદરની દિવાલ માસિક દરમિયાન થતા રકતસ્રાવરૂપે શરીરની બહાર નીકળી જાય છે. આ ક્રિયા દર મહિને થાય છે અને તેનો સમયગાળો ૨૮ દિવસનો હોય છે. માસિકમાં રક્તસાવ સામાન્યરીતે ૪-૫ દિવસ સુધી થાય છે. જેમાં ૫૦ – ૮૦ મિલિ. જેટલું લોહી વહી જાય છે.

મેન્સ્ટ્રુઅલ સાયકલના 3 ફેઝ હોય છે. જે નીચે મુજબ છે.

  • 1.મેન્સ્ટ્રુઅલ ફેઝ
  • 2.પ્રોલીફરેટીવ
  • 3.સિક્રીટરી ફેઝ

1.મેન્સ્ટ્રુઅલ ફેઝ

  • આ તબક્કો ચાર થી પાંચ દીવસ સુધીનો હોય છે. ઓવમ ફર્ટીલાઇઝેશન ન થાય તો પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે. આવા હોર્મોન્સ પર આધારીત એન્ડોમેટ્રિયમનું લેયર તુટે છે અને યોનીમર્ગ મારફતે રક્ત સ્ત્રાવ બહાર આવે છે. તેને મેન્સ્ટ્રુએશન કહે છે. મેન્સ્ટ્રુઅલ ફ્લો ઓફ બ્લડ, એન્ડોમેટ્રીયલ સેલ તેમજ તુટેલી પેશીઓનો સમાવેશ થાય છે. આ તબક્કો 4 થી 5 દીવસ સુધીનો હોય છે. સામાન્ય રીતે 50 થી 80 એમ.એલ. જેટલો રક્ત સ્ત્રાવ એક સાયકલ દરમિયાન થાય છે.

2.પ્રોલીફરેટીવ ફેઝ

  • મેન્સ્ટ્રુઅલ ફેઝ પછીના ફેઝને પ્રોલીફરેટીવ અથવા તો પ્રિઓવ્યુલેટરી ફેઝ પણ કહે છે. જે મેન્સ્ટ્રુઅએશનનાં છઠ્ઠા દીવસ પછી શરૂ થાય છે, અને ઓવ્યુલેશનની સાથે પૂરો થાય છે. તે આસરે દસ દીવસનો હોય છે. આ તબક્કામાં ઓવેરીયન ફોલીકલ્સ ઈસ્ટ્રોજન ઉત્પન્ન કરે છે. જે એન્ડોમેટ્રીયમને તૈયાર કરે છે આ ફેઝ દરમ્યાન એન્ડોમેટ્રીયમની જાડાય આશરે 3 થી 4 mm જેટલી થઈ જાય છે.

3.સિક્રીટરી ફેઝ

  • સિક્રીટરી ફેઝને લ્યુટીયલ ફેઝ પણ કહે છે. તે ઓવ્યુલેશન થયા બાદ 15 દીવસથી શરૂ થાય છે. અને 28 દીવસે પૂરો થાય છે. આ ફેઝ દરમ્યાન એન્ડોમેટ્રિયમની જાડાઇમાં વધારો થાય છે. અને તે વાસક્યુલર બને છે અને એન્ડોમેટ્રિયમની જાડાય આશરે 5 થી 6 mm જેટલી થઈ જાય છે. જો ઓવમનું ફર્ટિલાઈઝેશન ન થાય અને હોર્મોનલ સપોર્ટ ઓછો થાય તો એન્ડોમેટ્રિયમ તુટવા લાગે છે અને નવી સાયકલ ચાલુ થાય છે.

તરુણી સાથે માસિક ધર્મ સંબંધીત સંમપરામર્શ (કાઉન્સેલિંગ)

  • તરુણીઓને સમજાવો કે આ એક સામાન્ય પ્રક્રિયા છે, તે કોઇ બીમારી નથી અને દરેક સ્ત્રીઓમાં દર મહીને આવે છે.
  • એનાથી શરમાવાની કે ગભરાવાની કોઈ જરુર નથી, એવું તરુણીઓને તથા પરીવારને સમજાવો
  • તેઓને માસિક સ્ત્રાવના સમયની માહીતી આપો.
  • ચાલુ થવાની ઉંમર 12 થી 14 વર્ષ
  • 26 થી 30 દીવસે આવે,
  • 4 થી 6 દીવસ રકતસ્ત્રાવ થાય.
  • 46 થી 54 વર્ષની ઉમરે બંધ થાય
  • માસિક શરૂઆતનાં સમયમાં ચોક્કસ અંતરાલે તો ક્યારેક મોડું વહેલું આવી શકે છે. જે કેટલાક સમય બાદ નીયમીત થઇ જાય છે, તેવું સમજાવો.
  • તેઓને માસિક સ્ત્રાવ વખતે થતી તકલીફ અને તેના નીવારણ વિશે સમજાવો.
  • માસિકસ્ત્રાવ દરમિયાન કમર અને પેટનાં નીચેના ભાગમાં દુઃખાવો થઇ શકે છે. ગરમ પાણીના શેક કરવાથી તથા હુંફાળું પાણી પીવાથી તેમાં આરામ મળે છે.
  • પરીવારની અનુભવી સ્ત્રીઓને સમજાવો કે સ્ત્રાવ દરમિયાન તરુણીઓને કેવા પ્રકારની માહીતી આપવી.
  • અસામાન્ય માસિક સ્ત્રાવની સમસ્યા વિશે સમજાવો અને કેવા સંજોગોમાં આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરવો તે જણાવો.
  • માસિક સ્ત્રાવ દરમીયાન ધ્યાનમાં રાખવાની બાબતો, અને સારસંભાળ વિશે તરુણી અને પરીવારની અન્ય સ્ત્રીઓને સમજાવો.
  • તરુણીઓને માસિક સ્ત્રાવને સંબંધીત પ્રશ્નો પુછવા માટે પ્રેરો, અને તેના દરેક પ્રશ્નોનાં જવાબ આપો.
  • માસિક સ્ત્રાવ દરમિયાન પુરતા પ્રમાણમાં ખોરાક લેવાનું અને આરામ કરવાની સલાહ આપો.
  • દુઃખાવો સહન ન થાય અથવા લાંબા સમય સુધી રહે, સોળ વર્ષ ની ઉંમર સુધી માસિક સ્ત્રાવ શરું ન થાય, માસિક અનીયમીત આવે, કે રક્ત સ્ત્રાવ વધારે પ્રમાણ આવે તો ડોક્ટરની સલાહ લેવા કહેવું.
  • આ ઉપરાંત શાળાએ અથવા આરોગ્ય કાર્યકર દ્વારા આપવામાં આવતી લોહતત્વની ગોળીઓ નીયમીત લેવાની સલાહ આપો.

મેન્સ્ટ્રુઅલ હાઇજીન (માસીક આવ્યા સમયની સાર સંભાળ)

  • માસિક આવવું એક સામાન્ય પ્રક્રીયા છે. સામાન્ય રીતે કિશોરીઓ અને સ્ત્રીઓમાં તે દર મહીને આવે છે.આ સમયગાળા દરમિયાન ચોખ્ખાઇ રાખવી અત્યંત આવશ્યક છે.

માસિકસ્ત્રાવ દરમિયાન ચોખ્ખાઇ માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા :

  • માસિક સ્ત્રાવના સમયગાળા દરમિયાન દિવસમાં ઓછામાં ઓછું એક વખત નહાવું. હુફાળા પાણીથી નહાવાથી શરીર હળવું થાય છે.
  • માસિક સ્ત્રાવ દરમિયાન પ્રજનન તંત્રની બિમારીઓ થવાની સંભાવના વધી જાય છે. જેથી નહાતી વખતે અને પેડ બદલતી વખતે જનનાંગોની યોગ્ય રીતે સફાઇ કરવી.
  • માસિક સ્ત્રાવનુ લોહી શોષવા માટે ચોખ્ખા સુતરાઉ કાપડને ગડી વાડીને પેડ બનાવવું અથવા સેનિટરી નેપ્કિન કે બજારમાં મળતા તૈયાર પેડનો ઉપયોગ કરવો.
  • આવા કપડા, પેડ કે સેનીટરી નેપ્કિનને શરુઆતના દીવસોમાં ત્રણ થી પાંચ વખત અને પછી બે થી ત્રણ વખત બદલવા.
  • કપડાને સાબુથી ધોયા બાદ તડકામાં વધારે સમય સુધી સુકવો. આવા કપડાનો ઉપયોગ પાંચ થી સાત વખત કરી ફેંકી દો.
  • કાપડ, સેનિટરી નેપ્કિન કે પેડનાં વપરાશ પછી તેનો યોગ્ય નીકાલ કરો, તેને જમીનમાં દાંટી દો અથવા ઇન્સીનરેટરમાં સળગાવી શકાય છે.

વહેલા લગ્ન અને તેની અસરો

  • બાળ અને તરુણાવસ્થા દરમીયાન કરવામાં આવતા લગ્ન એ વર્ષોથી ચાલતો આવતો કુરીવાજ છે, જેને ભારતમાં સમાજિક અને ધાર્મિક ભાવનાઓ સાથે જોડવામાં આવે છે. ભારતમાં અડધા કરતા વધારે સ્ત્રીઓના લગ્ન 18 વર્ષ થી ઓછી ઉંમરમાં કરી નખવામાં આવે છે.

કારણો

  • આપણા સમાજમાં છોકરીઓને ઘર પરનો બોજો માનવામાં આવે છે. આથી તેના બને તેટલા વહેલા લગ્ન કરાવવામાં આવે છે.
  • ભારતમાં હજુ પણ દહેજ પ્રથા છે અને નાની ઉંમરમાં લગ્ન કરાવવાથી ઓછી દહેજ આપવી પડે છે.
  • છોકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહેલા લગ્ન કરી દેવામા આવે છે, ઘણા લોકો એવુ માને છે કે બાળકીઓના વહેલા લગ્ન કરાવી દેવાથી તેને સેક્સુઅલ વાયોલેન્સ અને બીજા પુરુષોથી બચાવી શકાય છે.
  • પરીવારના લોકો તેના સામાજિક અને આર્થિક ભવિષ્યની સુરક્ષા માટે વહેલા લગ્ન કરાવી આપે છે.
  • ઓછા ભણતર, ગરીબી, અને સમાજીક પરિસ્થીતીઓને ધ્યાનમાં રાખી જોતા એવા પરીવાર કે જેને વહેલા લગ્નથી થતા નુક્શાન વિશે ખબર નથી અને તેઓ વહેલા લગ્નથી થતી પરીસ્થિતીઓથી અજાણ છે. તેઓ બાળકીઓના વહેલા લગ્ન કરાવે છે.

વહેલા લગ્નથી થતા નુક્શાન (ઇફેક્ટ ઓફ અર્લી મેરેજ)

  • દરેક બાળકને સારા અને અને સુરક્ષીત વાતાવરણમાં ઉછરવાનો અધિકાર છે. તેને પોતાના વ્યક્તિગત જીવનને પોતાની ઇચ્છા મુજબ જીવવાનો અધિકાર છે, બાળલગ્ન એ બાળકોના અધિકારોનું ઉલંઘન કરે છે.

વહેલા લગ્નથી થતા નુકશાન નીચે મુજબ છે.

  • બાળ લગ્નથી બાળકોનાં મુળ અધિકારો જેવા કે ભણતર, પોષણ, આઝાદી અને સુરક્ષા છીનવાઇ જાય છે.
  • નાની ઉંમરનાં બાળકો માનસીક રીતે સામાજીક જવાબદારીઓ લેવા માટે પરીપકવ હોતા નથી અને તેઓ માનસીક તણાવ અનુભવે છે.
  • બાળકીઓ માટે વહેલા લગ્નથી વધારે પ્રમાણમાં અસુરક્ષિત જાતીય સમાગમ થાય છે. જેના માટે તેનુ શરીર તૈયાર હોતુ નથી. ઉપરાંત તે નાની ઉંમરે માતા બને છે અને તેને જાતીય રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે.
  • નાની ઉંમરે માતા બનવાથી તે નબળા બાળકોને જન્મ આપે છે, આથી ઇનફન્ટ મોર્ટાલિટી અને મેર્ટનલ મોર્ટાલિટીમાં વધારો થાય છે.

કાયદો

ચાઈલ્ડ મેરેજ રીસ્ટ્રેઇન એક્ટ, 1929

ધ પ્રોહિબિશન ઓફ ચાઈલ્ડ મેરેજ એક્ટ, 2006

  • આ કાયદા હેઠળ છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી અને છોકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અને તેમના લગ્ન કરાવવામાં આવેતો તે ગુનો છે અને સજાને પાત્ર છે.

પ્રેગનેન્સી એન્ડ એર્બોશન ઇન એડોલેન્સી

  • તરુણ છોકરીઓમાં ગર્ભાવસ્થા સાથે જોડાયેલી સમસ્યાઓની ગંભીરતા.
  • કુલ પ્રજનન દર પૈકી 19 થી 15 વર્ષની વય જુથના તરુણોનો પ્રજનનદર 19% જેટલો છે.
  • ભારતમાં છોકરીઓના લગ્ન સરેરાશ સોળ વર્ષની ઉંમરે થાય છે અને પતિ સાથેના સહવાસની ઉંમર ૧૭ વર્ષ છે.‌ (1999-2000)
  • ભારતમાં અડધાથી પણ વધુ સ્ત્રીઓ ૨૦ વર્ષની થાય એ પહેલાં પોતાના પહેલા બાળકને જન્મ આપી ચૂકી હોય છે.
  • આ વયજુથની તરુણીઓમાં પુરી ન થતી કુટુંબ નિયોજનની જરુરીયતોનું પ્રમાણ 27 % છે.
  • 15 થી 19 વર્ષની વય-જૂથની છોકરીઓનાં મૃત્યુનું મુખ્ય કારણ ગર્ભાવસ્થા સંબંધી જટિલતાઓ છે અને 18 વર્ષથી નીચેની તરુણ છોકરીઓમાં માતૃ મરણદર 18 થી 25 વર્ષની વય જૂથની સ્ત્રીઓની તુલનામાં અનેક ગણો વધુ છે.
  • તરુણ માતાઓ થકી જન્મેલાં બાળકોમાં ખાસ કરીને જન્મના પાંચ મહિના પહેલાંથી લઈને જન્મ પછીના એક મહિનાના સમયગાળા દરમિયાન નિયોનેટલ અને પેરિનેટલ મરણનું જોખમ વધુ રહે છે.
  • તરુણ છોકરીઓને સુરક્ષિત ગર્ભપાત કરાવવા માટેની સેવાઓ ઉપલબ્ધ ન હોવી એ તેમનામાં જોવા મળતી પ્રસુતિ સંબંધી જટિલતાઓ અને મરણદરનું મહત્વનું પરિબળ છે. અને જાતીય રીતે સક્રિય તરુણ છોકરીઓને એચ.આઈ.વી/એઈડસનું જોખમ દિવસે દિવસે વધતું જાય છે.

પુખ્ત સ્ત્રીની તુલનામાં તરુણીઓમાં સામાન્ય રીતે ઊભી થતી સગર્ભાવસ્થા સંબંધી જટિલતાઓ

  • સગર્ભાવસ્થાને કારણે તણાવ
  • પ્રસૂતિ પૂર્વેના સમયમાં અને પછીનાં સમયમાં એનીમિયા
  • જાતીય રીતે સંક્રમિત ચેપો
  • વહેલી પ્રસૂતિ થવી
  • પ્રસૂતિ થવામાં અંતરાયો
  • પ્રિ એક્લેમ્પ્સિયા
  • મૃત્યુ
  • પ્રસુતિ પછી હતાશા અનુભવવી
  • ફરીવાર ઝડપથી ગર્ભવતી બનવું
  • નવા શિશુનું વજન ઓછું હોય
  • પ્રસુતિના પાંચ મહીના પહેલાંથી લઈને પ્રસુતિ પછી એક મહિના સુધીના સમયગાળામાં નવજાત શિશુનું મરણ થવું.
  • બાળકની પૂરતી સંભાળ ન લેવાય અને પૂરતું સ્તનપાન ન કરાવી શકાય.

મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એકટ (તબીબી રીતે ગર્ભ દુર કરવા અંગેનો અધિનિયમ)

  • મેડિકલ ટર્મીનશન ઓફ પ્રેગ્નન્સી એકટ ૧૯૭૧માં પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ ઘડવા પાછળનો હેતુ ખાસ કરીને સામાજિક નિંદાનો ભોગ બનવાની અથવા તબીબી દ્રષ્ટિએ કોઈ જોખમ હોવાની સંભાવના રહેલી હોય ત્યારે અનીચ્છનીય ગર્ભથી સ્ત્રીને મુકિત મેળવવાની પરવાનગી આપવાનો હતો.
  • આ અધિનિયમથી ગર્ભપાત કરાવવા માટેની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
  • આ અધિનિયમનો ઉદ્દેશ્ય રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર દ્વારા કેટલીક પરિસ્થિતિઓમાં ગર્ભ દૂર કરવાની પરવાનગી આપવાનો છે.
  • રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર ન હોય એવી કોઈ વ્યકિત દ્વારા ગર્ભ દૂર કરવામાં આવે તો ભારતીય દંડ સંહિતા હેઠળ તે એક સજાપાત્ર ગુનો બને છે.
  • એમ.ટી.પી. અથવા તબીબી રીતે ગર્ભ દર કરવાની પરવાનગી ક્યારે મળી શકે.
  • આ અધિનિયમ મુજબ અમુક જ સંજોગોમાં ગર્ભપાત કરાવવાની પરવાનગી આપી શકાય.
  • જયારે ગર્ભ ૧૨ અઠવાડિયાથી વધુ સમયનો હોય પરંતુ ૨૦ અઠવાડિયાથી વધુ સમયનો ન હોય અને ઓછામાં ઓછા બે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનરના અભિપ્રાય મુજબ
  • સંબંધિત સગર્ભાવસ્થા ચાલુ રહેવાને કારણે સ્ત્રીને શારીરિક અથવા માનસિક ઈજા થવાનો ભય હોય અથવા
  • ગર્ભસ્થ શિશુને ગંભીર શારીરિક અથવા માનસિક વિકૃતિઓ ઊભી થવાનું જોખમ હોય અથવા
  • ગર્ભ બળાત્કાર કે નજીકના સગા સાથેના જાતીય સંબંધને કારણે રહ્યો હોય અથવા
  • સગર્ભાવસ્થા ચાલુ રહેવાને કારણે સ્ત્રીની સામાજિક અથવા આર્થિક પરિસ્થિતિઓ પર ગંભીર અસર પડી શકે તેમ હોય.

૨૦ અઠવાડિયાની ગર્ભાવસ્થા બાદ મેડિકલ પ્રેકટીશનર અન્ય કોઈ મેડિકલ પ્રેકટીશનર અથવા જેણે નિર્દિષ્ટ તાલીમ અભ્યાસક્રમ પૂરો કર્યો હોય એવી કોઈ નોંધાયેલી દાયણ સાથે પરામર્શ કર્યાં બાદ એવો અભિપ્રાય ધરાવતા હોય કે સંબંધિત ગર્ભાવસ્થા ચાલુ રહેવાને કારણે ….

  • સ્ત્રીનું જીવન જોખમમાં મૂકાશે,
  • ગર્ભસ્થ શિશુ ગંભીર વિકૃતિનો ભોગ બનશે અથવા
  • ગર્ભસ્થ શિશુને ઈજા થવાની સંભાવના રહેશે.
  • ઉપરની શરતો પૂરી થતી હોય ત્યાં સુધી ડૉકટર ભારતીય દંડસંહિતા હેઠળ ફોજદારી કાર્યવાહીને પાત્ર થવાના ડર વિના ગર્ભ દૂર કરી શકે છે.

કોની સંમતિ જરૂરી છે?

  • કોઈ પણ ગર્ભ, સંબંધિત સગર્ભા સ્ત્રીને પૂરતી માહિતગાર કર્યા પછી તેની સંમતિથી જ દૂર કરી શકાય છે. આ માટે અન્ય કોઈ વ્યકિતની સંમતિ લેવી જરૂરી નથી.૧૮ વર્ષથી ઓછી ઉંમરની તેમજ ૧૮ વર્ષથી વધુ ઉમરની પરંતુ અસ્થિર મગજની સગર્ભા જેમનો ગર્ભ દૂર કરવા માટે તેના વાલીની લેખિત સંમતિ મેળવવી અનિવાર્ય છે.

તબીબી રીતે ગર્ભ દૂર ક્યાં કરી શકાય.

  • સરકાર દ્વારા પ્રમાણિત કેદ્રો ખાતે જ તબીબી ગર્ભપાત કરાવી શકાય છે. આ કેન્દ્રો જાહેર અથવા ખાનગી ક્ષેત્રના હોઈ શકે છે. ગર્ભપાત દરમિયાન MP ACT નું પાલન થવું ફરજીયાત છે.

સગર્ભા સ્ત્રીનો અધિકાર

  • કોઈપણ સ્ત્રી જયારે પોતાનો ગર્ભ દૂર કરવાની વિનંતી કરે ત્યારે આ અધિનિયમ હેઠળ તેને મળેલા અધિકારો વિશે તેને અવશ્ય માહિતગાર કરવી. જયારે પણ ગર્ભ દૂર કરવામાં આવે ત્યારે મૅડિકલ પ્રેકટીશનરે નિર્દિષ્ટ માહિતીની નોંધ કરવી. આમ છતાં, જેણે પોતાનો ગર્ભ દૂર કરવાની વિનંતી કરી હોય અથવા તે માટેની પરવાનગી મેળવી હોય એ સ્ત્રીનું નામ અને સરનામુ ખાનગી રાખવું, સિવાય કે તે પોતે એ જાહેર કરવા માગતી હોય.

દંડની જોગવાઇ

  • મેડિકલ પ્રેકટિશનર ન હોય અથવા જેને નિર્દિષ્ટ તાલીમ અભ્યાસક્રમ પૂરો ન કર્યો હોય એવી કોઈ વ્યકિત ગર્ભ દૂર કરે તો તેને ગુનેગાર ઠરાવી શકાય છે અને ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલની સજા અથવા દંડ થઈ શકે છે.

તરુણ છોકરીઓમાં અસુરક્ષિત ગર્ભપાતો માટે જવાબદાર પરિબળો

  • ગર્ભપાત કરાવ્યા બાદ ઊભી થતી જટિલ સમસ્યાઓના પ્રમાણ અને ગંભીરતા માટે જુદાં જુદાં પરિબળો જવાબદાર છે.
  • આરોગ્ય સંભાળ મેળવવામાં થતો વિલંબ
  • તાલીમબધ્ધ આરોગ્ય કર્મીઓનાં નકારાત્મક વલણો
  • બિનતાલીમ પ્રાપ્ત આરોગ્યકર્મીઓની મદદ લેવી
  • જોખમી પધ્ધતીઓનો ઉપયોગ કરવો
  • ગર્ભપાત સંબંધી કાયદાઓ
  • સેવા વિતરણ સંબંધી પરિબળો
  • અચાનક જ કરાવવામાં આવેલા ગર્ભપાત બાદ ઊભી થતી જટિલ સમસ્યાઓ.

પ્રિમરાઇટલ કાઉન્સિલિંગ (લગ્ન પહેલાનું સંપરામર્શ)

  • તરુણાવસ્થા એ એક એવો સમાયગાળો છે કે ત્યારે છોકરીઓમાં ઘણા બધા માનસિક અને શારીરિક ફેરફારો જોવા મળે છે. આ સમયગાળા દરમીયાન મોટા બદલાવોના કારણે તેઓમાં ઘણા બધા પ્રકારની દ્વીધ્ધા અને પ્રશ્નો ઉદભવે છે. તેમા ખાસ કરી ને ભવીષ્યનું આયોજન, ઉચ્ચ શિક્ષણ, લગ્ન વગેરે નો સમાવેશ થાય છે. સમાન્ય રીતે મોટી ઉંમર (18 થી 20 વર્ષ) ની તરૂણીઓમાં લગ્ન ને સંબંધીત દ્વિધ્ધા અને પ્રશ્નો હોય છે. આથી આ ઉંમર ની તરૂણીઓ સાથે લગ્ન વિષયક સંપરામર્શ કરવું જરૂરી છે.

જેમાં આરોગ્ય કાર્યકર દ્વારા નીચે મુજબના મુદ્દાઓ ચર્ચી શકાય છે.

  • તરુણીઓને કાયદાઓ મુજબ 21 વર્ષની ઉંમર બાદ લગ્ન કરવાની સલાહ આપો.
  • તરૂણીઓને અને તેના પરીવારને નાની ઉંમરે લગ્ન કરવાનાં નુકશાન અને યોગ્ય ઉંમરે લગ્ન કરવાનાં ફાયદાઓ જણાવો અને સમાજને બાળકીઓ ના યોગ્ય ઉંમરે લગ્ન કરાવવા માટે પ્રેરણા આપો.
  • લગ્નની ઉંમરની સ્ત્રીઓની માનસિક સ્થિતિ જાણો અને તેની મુંઝવણોનુ સમાધાન કરો.
  • તેઓને જાતિય સમાગમ, ગર્ભની રોધક પધ્ધતિઓ, સગર્ભાવસ્થા અને આરોગ્ય લક્ષી સલાહ સુચન આપો.
  • પરીવારને સલાહ આપો કે બાળકીના અભ્યાસ અને તેના અધિકારોનું ખંડન થતું અટકાવે બાળકીના ૨ અને તેના લગ્ન તરુણી માનસિક અને શારીરિક રીતે પરીપકવ થાય ત્યાર બાદ જ કરે.
Published
Categorized as Uncategorised