skip to main content

મહેતા નંદશંકર તુળજાશંકર

મહેતા નંદશંકર તુળજાશંકર

(જ. 21 એપ્રિલ 1835, સૂરત; અ. 17 જુલાઈ 1905, સૂરત) : 

ગુજરાતીની પ્રથમ લેખાતી નવલકથા ‘કરણઘેલો’ના લેખક. માતા ગંગાલક્ષ્મી. પિતા તુળજાશંકરની સાદગી, સરળતા અને પ્રામાણિકતા તેમને વારસામાં મળી. નાનપણ મોસાળ ઓલપાડમાં. એ કારણે ગ્રામજીવનનો અને સૃષ્ટિસૌન્દર્યનો પરિચય.

વતન સૂરતના રસિક જીવનનો, ત્યાંની પ્રસિદ્ધ સાડત્રીસી આગના બનાવનો અને સુધારક વાતાવરણનો પરિચય.

શાળા-કૉલેજના કુશળ પ્રેમાળ શિક્ષકોનો પ્રભાવ. ગણિત-અંગ્રેજીમાં વિશેષ રુચિ. મેકૉલેનો ઘનિષ્ઠ અભ્યાસ. કૅપ્ટન સ્કૉટના સમૃદ્ધ ગ્રંથાલયનો લાભ. મૅટ્રિક સુધીનો અભ્યાસ. અંગ્રેજી શાળાના માસ્તર; પહેલા દેશી હેડમાસ્તર.

એ પછી ટ્રેનિંગ કૉલેજમાં આચાર્ય. કુલ 15 વરસ શિક્ષણકાર્યમાં. નર્મદે આરંભેલી સુધારાની ઝુંબેશમાં દુર્ગારામ સાથે સક્રિય. અધ્યાપન પછી તેમની ‘લાઇસન્સ ટૅક્સ’ ખાતામાં અને મુલકી ખાતામાં કામગીરી. મામલતદાર, આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ અને કામચલાઉ પોલિટિકલ એજન્ટ પણ થયા. 1877માં તેમને ‘રાવબહાદુર’નો ખિતાબ મળ્યો. 1880થી 1883 સુધી કચ્છના દીવાન. તે પછી નાંદોદમાં આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટર અને ચીફ રેવન્યૂ ઑફિસર. દક્ષ કામગીરી. સૂરત મ્યુનિસિપાલિટીમાં ઉપપ્રમુખ.

નંદશંકર તુળજાશંકર મહેતા

‘કરણઘેલો’(1866) એ તેમની એકમાત્ર સાહિત્યકૃતિ. ગુજરાતી ભાષાની ઐતિહાસિક કથાવસ્તુવાળી પ્રથમ નવલકથા. એને માટે પ્રેરણા મળી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રસેલસાહેબ પાસેથી અને નમૂના મળ્યા વૉલ્ટર સ્કૉટ અને લૉર્ડ લિટનની ‘રોમાન્સ’ સ્વરૂપની કથાઓમાંથી. પાપનો ક્ષય થતો બતાવવો એ આ કથાનો હેતુ છે. એ માટે લેખકે ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાના જીવનનું ર્દષ્ટાંત લીધું છે. વિષયાસક્ત કરણ પોતાના મંત્રી માધવની પત્ની રૂપસુંદરીનું અપહરણ કરે છે.

એથી રોષે ભરાઈને માધવ અલાઉદ્દીનને ગુજરાત પર ચઢાઈ કરવા તેડી લાવે છે. પરાજય પામીને નાસી છૂટેલા કરણનું રખડીરઝળીને અંતે બાગલાણના કિલ્લામાં કરુણ મોત નીપજે છે. કથામાં કરણનું પાત્ર સર્વાંશે દુરાચારી આલેખાયું નથી. પરાજિત સ્થિતિમાં પણ એ કેટલાંક સ્વીકૃત જીવનમૂલ્યો જાળવી રાખે છે. એના પતનનું કારણ એની સ્વભાવગત મર્યાદાઓ છે. એ રીતે એ કરુણ નાયક છે. એનો ભાઈ કેશવ યુદ્ધમાં ખપી જાય છે, એની પત્ની ગુણસુંદરી સતી થાય છે અને પાટણની ખાનાખરાબી થાય છે. આ રીતે તેનો સર્વાંશે વિનાશ થાય છે.

ગુજરાત ઉપર અલાઉદ્દીનની ચઢાઈ, કથાની એ મુખ્ય ઘટના લેખકે ઇતિહાસમાંથી પસંદ કરી છે, પરંતુ ઐતિહાસિક નવલકથામાં અપેક્ષિત તથ્યો જાળવ્યાં નથી. ફૉર્બ્સ સંપાદિત ‘રાસમાળા’ તથા ‘કુમારપાળચરિત’માં સુલભ દંતકથારૂપ સામગ્રી એમાં પુષ્કળ માત્રામાં ઉમેરી છે અને સમકાલીન સૂરતમાં બનેલા કેટલાક બનાવો, પરિસ્થિતિ અને લોકમાન્યતાઓનો પણ ભરપૂર ઉપયોગ તેમણે વસ્તુનિરૂપણમાં કરેલો છે.

શિષ્ટ અને પ્રાસાદિક ભાષા તથા પ્રૌઢિયુક્ત શૈલી આ નવલકથાનું એક સબળ અંગ છે. તો તાર્દશ અને જીવંત વર્ણનો બીજું. પ્રકૃતિસૌન્દર્ય, દશેરાની સવારી, રાજદરબાર, આગ અને યુદ્ધનાં વર્ણનોમાં એનાં ર્દષ્ટાંતો મળે છે; પરંતુ વર્ણનોમાં જ્યાં પ્રસ્તાર થાય છે, ત્યાં મર્યાદા ઊભી થાય છે. વિષયાન્તરો અને વિસંગતિઓને લઈને વસ્તુસંકલનામાં આવી જતી શિથિલતા, નિર્જીવ પાત્રાલેખન અને કૃત્રિમ સંવાદો આ કૃતિની બીજી મર્યાદાઓ છે. આમ છતાં આ કૃતિનું ઐતિહાસિક મૂલ્ય મોટું છે. એના પ્રભાવ હેઠળ પછીથી ગુજરાતી ભાષામાં ઐતિહાસિક નવલકથાઓ લખાતી થઈ હતી.

નંદશંકરનાં અન્ય લખાણોમાં ‘ગુજરાતમિત્ર’ આદિ સામયિકોમાં પ્રકાશિત વિવેચનલેખોનો સમાવેશ થાય છે. એમણે ‘સંસ્કૃત માર્ગોપદેશિકા’ અને ‘ત્રિકોણમિતિ’ના અનુવાદો પણ આપેલા છે.

Published
Categorized as Uncategorised