skip to main content

ભાલણ

ભાલણ (૧૫મી સદી ઉત્તરાર્ધ-૧૬મી સદી પુર્વાર્ધ) મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેઓ પાટણના વતની હતા અને સંસ્કૃતના પ્રકાંડ પંડીત હતા. તેઓ આખ્યાનકવિ, પદકવિ અને અનુવાદક હતા. તેમના ગુરુ શ્રીપત કે શ્રીપતિ હોવાનુ માનવામાં આવે છે. તેઓ સંસ્કૃતના સારા અભ્યાસી હતા અને તેમને વ્રજ ભાષાનું જ્ઞાન પણ હોવાની સંભાવના છે. જીવનના પ્રારંભિક વર્ષોમા દેવભક્ત હોય, પરંતુ એક થી વધારે દેવોની સ્તુતિ કરે છે એટલે સાંપ્રદાયિક નથી. જીવનના ઉત્તરાર્ધમાં રામભક્તિ પર વધુ આસ્થા બનેલી દેખાય છે.

કવિના દશ્મસ્કંધ માંનાં કેટલાંક વ્રજ ભાષાનાં પદો પરથી કહી શકાય કે તેઓ વ્રજ ભાષાના જાણકાર હશે. પુરુષોત્તમ મહારાજ તરીકે એમની ખ્યાતિ હતી અને કવિ ભીમ પુરુષોત્તમને એમના ગુરુ તરીકે નિર્દેશ કરે છે. એ ભાલણ હોવાની સંભાવના છે. એણે સૌપ્રથમ વાર ગુજરાતી ભાષા માટે ‘ગુજર ભાખા’ એવો શબ્દપ્રયોગ કર્યો

કૃતિઓ

ભાલણે આખ્યાનો અને પદોનું સર્જન કર્યું છે. અને બાણભટ્ટની મહિમાવંતી ગદ્યકથા કાદંબરીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.

 કાદંબરી ભાલણની કીર્તિદા રચના છે.

બાણભટ્ટની ગદ્યકથા ‘કાદંબરી’ને ૪૦ પદ્ય-કડવાંવાળા આખ્યાન સ્વરૂપમાંં ઢાળીને ભાલણે અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાલણને ‘આખ્યાનના પિતા’ કહેવામાં આવે છે. કારણ કે એમની પૂર્વેની કવિતાઓમાં કથાત્મક કાવ્ય પ્રકારની ઉપાસના કરી છે, પરંતુ કડવાંબદ્ધ આખ્યાન શૈલીનો પ્રયોગ તો સૌપ્રથમ ભાલણે જ કર્યો હોવાનું જણાય છે.

પૌરાણિક કથાઓમાંથી વસ્તુ લઈને એમણે કેટલાંક આખ્યાન લખ્યાં છે. આદ્યશક્તિ ‘સપ્તશતી’, શિવપુરાણની શિકારીની કથાવાળું ‘મૃગી આખ્યાન’ પદ્મ પુરાણમાંથી વસ્તુ લઈને ‘જલંધર આખ્યાન’, ગણિકા મામકીની ભક્તિ નિરુપતું ‘મામકી આખ્યાન’, ભાગવતની ધ્રુવકથા વર્ણવતું ‘ધ્રુવાખ્યાન’, અને મહાભારતની નળકથાને આલેખતું ‘નળાખ્યાન’ જેવાં કેટલાંક આખ્યાનો લખ્યાં છે. એમના આખ્યાનોમાં એ મૂળ કથાનું જ મુખ્યત્વે અનુસરણ કરતો હોવાથી આ પ્રસંગોને સંક્ષેપમાં વર્ણન કરતો હોવાથી પ્રેમાનંદ કવિની જેમ એની મૌલિક કલ્પનાશક્તિનું એમાં વર્ણન થતું નથી.

આ બધા આખ્યાનોમાં નળાખ્યાન એમની ખૂબ જ પ્રચલિત આખ્યાન કૃતિ છે. આ આખ્યાન ઉથલા- વલણ વગરના ૩૦/૩૩ કડવામાં રચાયેલું છે અને સંસ્કૃત મહાકવિ શ્રી હર્ષના ‘નૈષધીયચરિત’ મહાકાવ્ય તેમજ ત્રિવિક્રમના ‘નલચંપૂનો’ ઓછોવધતો પ્રભાવ ઝીલતું, શૃંગાર અને કરુણનું આકર્ષક નિરુપણ કરતું પ્રાસાદિક આખ્યાન છે.

એણે બીજું પણ ‘નળાખ્યાન’ લખ્યું હોવાનું કહેવાય છે, પણ એ શંકાસ્પદ છે, ભાલણની નળકથાને અનુગામી જૈન-જૈનેતર કવિઓને નળવિષયક આખ્યાનો લખવાં પ્રેર્યા છે.

મહાભારત પ્રમાણે નળનો રાજમંદિરમાં ગુપ્ત રીતે થતો પ્રવેશ અને પછી ‘નૈષધીયચરિત’ પ્રમાણે એ અપ્રગટ નળને સખીઓ સાથે પકડી પાડવાનો કસબ એમાં સારી રીતે વર્ણવ્યો છે. દમયંતીત્યાગ પછી એની સહાયક સ્થિતિનું સવિગત વર્ણન ભારતીય નારીના મનોભાવો સાથે નિરુપાયું છે

દશમસ્કંધ

ભાલણે ‘દશમસ્કંધ’ નો અનુવાદ પદોમાં કરેલો છે, પણ એ નામભેદે કડવાં જ છે. ‘દશમસ્કંધ’ માં તેમણે લખેલી ‘રુક્મણીવિવાહ’ અને ‘સત્યભામાવિવાહ’ કૃતિઓ કવિએ અહીં સમાવી લીધી છે. આ સિવાય અન્ય કવિઓના પદ પણ આમાં ભળી ગયાં છે. ભાગવતની કથાને ટૂંકમાં કહેવાનું એમનું લક્ષ હોવા છતાંં વાત્સલ્ય, શૃંગાર અને કરુણમાંં કવિ એવા ઊંચા વ્યક્તિત્વની પ્રતીતિ કરાવે છે કે એમા દાણલીલા, માનલીલા અને ભ્રમરગીત પ્રેમાનંદ નરસિંહ અને દયારામની એ વિષયનાં કાવ્યોની બરોબરી કરે એવા છે.

રામબાલચરિત

રામબાલચરિત એ સીતાસ્વયંવર સુધીની કથાને રજૂ કરતી ૪૦ પદવાળી કૃતિ છે. બાલસ્વભાવ અને બાલચેષ્ટાનાં સ્વભાવોક્તિભર્યા ચિત્રો અને માતૃહ્રદયની લાગણીનું તેમાં થયેલું નિરુપણ અપૂર્વ છે.

Published
Categorized as Uncategorised